વિશ્વાસનો અભાવ વિશ્વ સામે સૌથી મોટો પડકાર : G-7 સમિટમાં વડાપ્રધાનનો સંદેશ
એવિયન (ફ્રાન્સ),તા.17:
વડાપ્રધાન મોદીએ G-7 સમિટમાં જણાવ્યું હતું કે પરસ્પર વિશ્વાસ આજે સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે અને વિશ્વ વિશ્વાસની ઉણપનો સામનો કરી રહ્યું છે. તેમણે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત G-7 દેશોના નેતાઓને કહ્યું કે દેશો વચ્ચે ભાગીદારીનું ભવિષ્ય આ વિશ્વાસને મજબૂત બનાવવા પર ર્નિભર છે. ફ્રાન્સમાં G-7 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પરથી એક સંદેશ આપ્યો, જેનાથી આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહયોગની દિશા પર મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ. G-7 આઉટરીચ સત્રને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે વિશ્વને ર્નિભરતા નહીં, પણ આદર અને સમાનતા પર આધારિત ભાગીદારીની જરૂર છે.
નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ઉકેલવાના પ્રયાસોનું સ્વાગત કર્યું. તેમણે હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ પર ચિતા વ્યક્ત કરી અને નોંધ્યું કે ભારતીય ખલાસીઓ સહિત ઘણા ભારતીયો સંઘર્ષમાં મૃત્યુ પામ્યા છે. પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુન:સ્થાપિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
નરેન્દ્ર મોદીએ કહ્યું, અમે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે થઈ રહેલા પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષથી પ્રદેશના અમારા મિત્ર દેશોમાં જાનમાલનું નુકસાન થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપથી વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી છે, અને ઘણા ભારતીય નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે.


