મેયર, ધારાસભ્ય સહિત પદાધિકારીઓએ બસમાં મુસાફરી કરી એમ.સી.એચ. હોસ્પિટલ, સ્પોર્ટસ હોસ્ટેલની મુલાકાત લીધી

મેયર, ધારાસભ્ય સહિત પદાધિકારીઓએ બસમાં મુસાફરી કરી એમ.સી.એચ. હોસ્પિટલ, સ્પોર્ટસ હોસ્ટેલની મુલાકાત લીધી

રાજકોટ, તા. 17
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના શાસનકાળમાં રાજકોટ જિલ્લામાં અનેકવિધ વિકાસ પ્રકલ્પો સાકાર થયા છે. આ વિકાસ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવા માટે આજે રાજકોટ મહાનગરમાં પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. જેમાં પ્રદેશપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવો જાેડાયા હતા.
જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘પ્રગતિપથ યાત્રા’માં પ્રદેશપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ સૌપ્રથમ સૌરાષ્ટ્રની સૌથી મોટી મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જગદીશભાઈ વિશ્વકર્માએ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓના આત્મીયભાવે ખબર-અંતર પૂછ્યા હતાં. વધુમાં દર્દીઓને મળતી સારવાર, સુવિધાઓની પણ પૃચ્છા કરી હતી અને હોસ્પિટલમાં તેઓને સારવાર-સુવિધા સરળ રીતે મળે છે તે સુનિશ્ચિત કર્યું હતું.રાજકોટમાં જિલ્લા રમતગમત હસ્તકની સ્પોર્ટ્સ હોસ્ટેલની જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. અહીં સ્પોર્ટ્સની ટ્રેનિંગ લેતા બાળકોએ ઉમંગ સાથે મહાનુભાવોને આવકાર્યા હતા. વિશ્વકર્માએ બાળકોને મળતી ખેલ સુવિધાઓ અને તેમની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે બાળ-ખેલાડીઓ સાથે સંવાદ કરીને વાસ્તવિક સ્થિતિ જાણી હતી અને ખેલપ્રતિભાના વિકાસ માટે તેમને પૂરતી સગવડો મળતી હોવાની ખાતરી કરી હતી.આ સ્થળ મુલાકાતમાં સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ડૉ. મોનાલી માકડીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ આનુસંગિક માહિતી પૂરી પાડી હતી. આ યાત્રામાં મેયર નેહલ શુક્લ, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, અગ્રણીઓ અનિરુદ્ધભાઈ દવે,  પ્રશાંતભાઈ કોરાટ, ડૉ. માધવ દવે, ડે. મેયર દક્ષાબેન વસાણી, પરેશભાઈ પીપળીયા, હિરેનભાઈ ખીમાણીયા, સંજયસિંહ રાણા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીશ્રીઓ પ્રધાનમંત્રીની ઇંધણ બચાવની અપીલને ધ્યાનમાં લઈ એક સાથે બસમાં જાેડાયાં હતાં.