વડોદરા નજીક બંધ ટ્રક પાછળ લકઝરી બસ ઘુસી જતા 7 મુસાફરોના મોત

વડોદરા નજીક બંધ ટ્રક પાછળ લકઝરી બસ ઘુસી જતા 7 મુસાફરોના મોત

(બ્યુરો)        વડોદરા તા.17
વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 વ્યક્તિના મોત થયા જેમાં એક 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તથા 27 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી હતી તે દરમિયાન વડોદરામાં આ અકસ્માત સર્જાયો હતો. બસમાં અનેક મુસાફરો ફસાયાની માહિતી મળતા જ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. બાદમાં ટ્રક અને લક્ઝરી હટાવી રોડ ક્લિયર કરાયો હતો.