ચોમાસા પૂર્વે જૂનાગઢ મનપા દ્વારા 497 ભયજનક મિલ્કતોને નોટિસ : 182 મિલ્કતોનાં વીજ-પાણી જોડાણ કપાયા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.19
જૂનાગઢ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વર્ષાઋતુની ઋતુને ધ્યાને રાખીને નાગરિકોની જાનમાલની સુરક્ષા અને સલામતી માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ શહેરમાં વર્ષાઋતુ પૂર્વે જર્જરીત અને ભયજનક મિલ્કતો સામે સઘન મોનિટરિંગ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેરમાંથી કુલ 497 મિલ્કતોને કાયદેસરની નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચીને કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં સંપૂર્ણ જર્જરીત મિલ્કતો અને વસવાટ તેમજ વપરાશ માટે મરામત લાયક હોય તેવી મિલ્કતોનો સમાવેશ થાય છે. શહેરમાં આઇડેન્ટિફાય થયેલી કુલ 172 સંપૂર્ણ જર્જરીત મિલ્કતો પૈકી 85 મિલ્કતોમાં કોઈ અનિચ્છનીય ઘટના કે અકસ્માત ન સર્જાય તે હેતુથી તાત્કાલિક અસરથી કટ ઓફ યુટિલિટી એટલે કે વીજળી અને પાણીના કનેક્શનો કાપવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ અત્યંત ભયજનક એવી 22 મિલ્કતોને સંપૂર્ણપણે ઉતારી લેવા માટેની કામગીરીની યાદી તૈયાર કરી આગળની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જ્યારે 27 મિલ્કતોને યોગ્ય સમારકામ કે અન્ય જરૂરી માધ્યમો દ્વારા સુરક્ષિત જાહેર કરવામાં આવી છે.જ્યારે ભયજનક જણાતી પરંતુ યોગ્ય મરામત દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવી કુલ 325 મરામત લાયક મિલ્કતો સામે પણ મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા કાયદેસરના પગલાં લેવાયા છે.જેમાં સુરક્ષાના આગોતરા ભાગરૂપે 97 મિલ્કતોમાં યુટિલિટી કટ ઓફ (વીજ-પાણી જોડાણ બંધ) કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 76 મિલ્કતોના માલિકોને વહેલી તકે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવા માટે મરામતની યાદી સુપ્રત કરવામાં આવી છે અને 46 મિલ્કતોને સંપૂર્ણ રીતે રિપેર કરાવીને સુરક્ષિત કરી લેવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશ્નર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા આ કામગીરી સતત કાર્યરત કરવામાં આવી છે. જે મિલ્કતો માનવ વસવાટ માટે અત્યંત જોખમી હતી, તેના કનેક્શનો તાત્કાલિક કાપીને મોટી દુર્ઘટનાઓ નિવારવાનો પ્રયાસ કરાયો છે. વર્ષાઋતુ દરમિયાન ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલસામાનનું નુકસાન ન થાય તે માટે શહેરના તમામ નાગરિકો અને મિલ્કતધારકોને પોતાના ભયજનક મકાનોની સમયસર મરામત કરાવી લેવા અથવા સૂચના મુજબ તેને ઉતારી લેવામાં મહાનગરપાલિકા, જૂનાગઢને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


