આજે વહેલી સવારે પાવાગઢમાં દુર્ઘટના : ડુંગર પરથી પથ્થરો ગબડતા બે યાત્રાળુઓના મોત, પાંચ ગંભીર 

આજે વહેલી સવારે પાવાગઢમાં દુર્ઘટના : ડુંગર પરથી પથ્થરો ગબડતા બે યાત્રાળુઓના મોત, પાંચ ગંભીર 

(બ્યુરો)            પાવાગઢ, તા.19
સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ડુંગર પર આજે સવારે મોતનો કહેર વરસ્યો હોય તેમ પથ્થરો ગબડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બે ભાવિકોના મોત નિપજયા હતા અને અન્ય યાત્રાળુઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદમાં પાણીનો પ્રવાહ વધી જતા અચાનક પથ્થરો ગબડવા લાગ્યા હતા અને પગથિયા પરથી પસાર થતા ભાવિકોની માથે પડયા હતા તેમાં યાત્રાળુઓ દબાઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, આ ઘટના આજે વહેલી સવારે ૫ાંચ વાગ્યાની આસપાસ બની હતી. ચોમાસાની ઋતુને પગલે ઉપરવાસમાં અને ડુંગર પર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ નજીક અચાનક પથ્થરો ધરાશાયી થયા હતા. સવારના સમયે માઇભક્તો માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન જ આ પથ્થરો પગથિયાં પર ગબડ્યા હતા.
પથ્થરો એટલા વિશાળ હતા કે પગથિયાં પરથી પસાર થઈ રહેલા સાતથી વધુ યાત્રાળુઓ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાને કારણે બે યાત્રિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક અસરથી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.