અમેરીકા-ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં આજે યોજાનારી શાંતિ વાટાઘાટો અચાનક રદ્દ
(એજન્સી) બર્ગનસ્ટોક તા.19 :
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધનો અંત લાવવા માટેના રાજદ્વારી પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડના વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શુક્રવારે (19 જૂન, 2026ના રોજ) સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત પર્વતીય રિસોર્ટ બર્ગનસ્ટોક (Burgenstock) ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી ઉચ્ચ સ્તરીય શાંતિ વાટાઘાટો હવે યોજાશે નહીં.
બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાના હેતુથી થયેલા કરારના અમલીકરણ માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ આયોજન ખોરવાઈ ગયું છે.
સ્વિસ મંત્રાલયની આ જાહેરાત વ્હાઇટ હાઉસના પ્રવક્તાના એ નિવેદન બાદ સામે આવી છે, જેમાં તેઓએ મોડી રાત્રે જણાવ્યું હતું કે યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે સ્વિટ્ઝર્લેન્ડનો પોતાનો નિર્ધારિત પ્રવાસ રદ કરી દીધો છે. જેડી વેન્સ આ બેઠકમાં અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાના હતા અને ઈરાનના વાર્તાકારો સાથે સીધી મુલાકાત કરીને વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારને આગળ વધારવાના હતા. પરંતુ અમેરિકન વહીવટીતંત્ર દ્વારા પ્રવાસ અટકાવી દેવામાં આવતા આ આખી પ્રક્રિયા પર હાલ પૂરતી બ્રેક વાગી ગઈ છે.


