દામોદરકુંડમાં સફાઈનાં અભાવે ગંદકીનું સામ્રાજય : પાણી દુષિત
સોમવતી અમાસ નિમિતે 30 હજાર કરતા વધુ ભાવિકોએ ધામિર્ક વિધિ સંપન્ન કરી : કુંડનાં દુષિત પાણીએ શ્રધ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચાડી : આગામી તહેવારોમાં તકેદારીનાં પગલા લેવા માંગણી
જૂનાગઢ તા. 16
લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર એવા પવિત્ર દામોદકુંડ ખાતે છેલ્લા કેટલાક સમય થયા દુષિત પાણી અને ગંદકીનાં સામ્રાજયને લઈને ધામિર્ક લાગણીને ઠેસ પહોંચી રહી છે. અહીં દુર દુરથી ભાવિકો પવિત્ર સ્નાન કરવા માટે આવતા હોય છે પરંતુ હાલ ગંદકી અને દુષિત પાણી હોવાના કારણે ભારે દૂર્ગંધ મારે છે અને ચરણામૃત પણ લઈ શકાય તેવી સ્થિતિ નથી આ અંગે વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ગઈકાલે પુરૂષોતમ માસની પૂર્ણાહુતિ તેમજ સોમવતી અમાસનો દિવસ હોય અંદાજીત 30 હજારથી વધુ શ્રધ્ધાળુઓ દામોદરકુંડ ખાતે આવી પહોંચ્યા હતા અને ગોરમાનું પુજન, પિતૃ તર્પણ વિધિ સહિતનાં ધામિર્ક કાર્યકરો યોજયા હતા.
અહીં આવેલા શ્રધ્ધાળુઓને દામોદરકુંડનાં દુષિત અને દૂર્ગંધ મારતા પાણી અને ગંદકીને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. દામોદરકુંડ ખાતે ઘણા વર્ષો થયા કર્મકાંડ કરતા બ્રહ્મદેવ વિજયકુમાર પંડયાએ ભાવિકોની વ્યથા વર્ણવી હતી અને જણાવ્યું હતું કે, દૂર્ગંધ મારતું પાણી આજે દામોદરકુંડમાં વહે છે જેને લઈને ચરણામૃત પણ ભાવિકો લઈ શકે તેવી સ્થિતિ નથી. દામોદરકુંડનો મહિમા અપરંપાર છે અને શ્રાધ્ધ કર્મ તેમજ પિતૃ તર્પણ વિધિ માટે ભારતભરમાં શ્રેષ્ઠ સ્થળ દામોદરકુંડ છે અને કહેવાય છે કે ચાર ધામની યાત્રા કર્યા પછી પણ દામોદરકુંડમાં સ્નાન ન કર્યુ હોય તો ચાર ધામની યાત્રા સફળ થતી નથી એવા પવિત્ર દામોદરકુંડની વર્તમાન હાલત જાેઈને ભાવિક શ્રધ્ધાળુઓને ઠેસ પહોંચી છે.
વિશેષમાં પુરૂષોતમ માસ તેમજ સોમવતી અમાસ જેવા પવિત્ર તહેવાારની જાણ હોવા છતાં સંબંધિત તંત્રએ દામોદરકુંડની સફાઈ માટેનાં શા માટે કોઈ પગલા ન ભર્યા તેવો સવાલ પણ શ્રધ્ધાળુઓમાં ઉઠવા પામેલ છે. આગામી ભીમ અગીયારસ, અષાઢી બીજ, શ્રાવણ માસનાં તહેવારો તેમજ ભાદરવો માસ પણ આવી રહયો હોય ત્યારે આ પવિત્ર દિવસોમાં દામોદરકુંડમાં ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહેશે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા તહેવારોને ધ્યાને લઈ દામોદરકુંડમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા, કચરા અને ગંદકી દુર કરવા માટેની આગોતરી વ્યવસ્થા કરવામાં આવે તેવી ભાવિકોમાં લાગણી પ્રવર્તી રહી છે.





