શિવરાત્રી મેળાની ઉજવણીમાં રૂા.8 કરોડનું આંધણ કરાયું
પાર્કિંગથી લઈ અનેક સુવિધાઓ ઉભી કરવાના બહાને નાણાંનો બેફામ દુરૂપયોગ
જૂનાગઢ તા.16
ભવનાથ તળેટી ખાતે ફેબ્રુઆરી માસમાં શિવરાત્રીના મેળાની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ઉજવણીના આ કાર્યક્રમમાં અંદાજીત રૂા.8 કરોડ કરતા પણ વધારે નાણાનું આંધણ થયાનો ઘટસ્ફોટ થયો છે અને જેને લઈને ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ખાતે પ્રતિવર્ષ યોજાતા શિવરાત્રીના મહામેળાને સરકારના સીધા સંચાલન હેઠળ આ વર્ષે દિવ્ય અને ભવ્ય બનાવવા માટે કામગીરી કરવામાં આવી હતી. શિવરાત્રીનો આ મેળો લઘુકુંભ મેળા તરીકે ઉજવવામાં આવ્યો હતો અને લખલૂંટ ખર્ચો કરવામાં આવ્યો હોવાની ફરિયાદો અને ચર્ચાઓ ઉઠવા પામી હતી. સરકારી તંત્ર દ્વારા કેટલા નાણાંનો વેડફાટ થયો કે વાપરવામાં આવ્યા તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવતી ન હતી. એક અધિકારી બીજા અધિકારીને ખો આપીને ઉડાઉ જવાબો આપી દેતા હતા. સરકારના સીધા માર્ગદર્શન હેઠળ અને આયોજન જીલ્લા વહીવટી તંત્ર અંતર્ગત હોય તેમ છતાં હિસાબો કયાંય મળતા ન હતા. શિવરાત્રી મેળાને લઈને પાર્કિંગ, લાઈટીંગ વ્યવસ્થા, મંડપ સર્વિસ, રવેડી રૂટ, સફાઈ વ્યવસ્થા, થીમ બેઝ પેઈન્ટીંગ, કલરકામ, સાંસ્કતિક કાર્યક્રમો, કલરકામ, એલઈડી સ્ક્રીન, સાઉન્ડ સીસ્ટમ તેમજ રોશની શુશોભન સહિતની વિવિધ કામગીરી સબબ જૂનાગઢ કોર્પોરેશન દ્વારા સંભવિત ખર્ચ અંગે જીલ્લા કલેકટરને 3 થી 4 વખત એસ્ટીમેન્ટ આપી અને દર વખતે એસ્ટીમેન્ટમાં ખર્ચની રકમનો વધારો કરવામાં આવતો અને સાતમી વખત આવા એસ્ટીમેન્ટો રજુ કરી અને રૂા.7 કરોડ 39 લાખની રકમ માંગવામાં આવી હતી. મનપા દ્વારા માંગવામાં આવેલી ખર્ચની રકમ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી પણ હશે. કદાચ આ રકમ કરતા પણ વધારે ખર્ચ થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. શુશોભન, ડેકોરેશનના નામે કરોડોનું આંધણ થયુ છે. ઉતારા મંડળને કોઈ મદદ કરવામાં આવી ન હતી, તેમજ મેળામાં આવતા લોકોને ગીરનાર પર પીવાના પાણી માટેની વ્યવસ્થા પણ તંત્રએ કરી ન હોવાની ફરિયાદ છે. તાજેતરમાં જ શીવરાત્રી મેળા અંગેનો ખર્ચ કેટલો થયો હોય તે અંગે આરટીઆઈ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી. ત્યારે મનપા દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં શિવરાત્રી મેળામાં થનારા સંભવિત ખર્ચ દર્શાવી અને જીલ્લા વહીવટી તંત્ર પાસે તેમણે 7 કરોડ 39 લાખની રકમ માંગી હતી તેનો આંકડો પ્રાપ્ત થયો છે પરંતુ કેટલો ખર્ચ શિવરાત્રી મેળામાં થયો છે તે અંગેની જીલ્લા વહીવટી તંત્ર કે સરકાર તરફથી સત્તાવાર માહિતી મળી નથી.


