યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સોમવતી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા ભારે ધસારો જોવા મળ્યો
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.16
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ સોમવતી અમાસ અને પરસોત્તમ માસના અંતિમ પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું. જેમાં સોમવતી અમાસ દિવસે ભાવિકો આવી અને પોતાના પિતૃઓની આત્મશાંતિ માટે મોક્ષ પીપળે પાણી રેડી 108 પ્રદિક્ષણા કરી પુણ્યાર્જન કર્યું હતું. આ સોમવતી અમાસ અને પરસોત્તમ માસનો અંતિમ દિવસ વિશેષ ધામિર્ક મહત્વ ધરાવે છે. આ દિવસે ત્રિવેણી સંગમ રચાતા પિતૃ તર્પણ, દાન અને શ્રાદ્ધનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. સાથે સાથે મહાદેવને દૂધ, કાળા તલ અને સાકર અર્પણ કરીને ગ્રહ પીડા દૂર કરવાની માન્યતા હોવાથી હજારો ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
દેશ-વિદેશમાંથી અને સૌરાષ્ટ્ર સહિત ભારતના વિવિધ ભાગોમાંથી આવેલા હજારો યાત્રાળુઓએ પ્રાચી તીર્થના પવિત્ર સ્થળ મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. યાત્રાળુઓએ અહીં બિરાજતા શ્રી માધવરાયજી પ્રભુના દર્શન તેમજ નદી કિનારે આવેલા છ શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરી લોકમેળાને ભક્તિભાવથી છલકાવી દીધો હતો સો વાર કાશી - એક વાર પ્રાચી કહેવતને સાકાર કરતા હજારો યાત્રાળુઓના કારણે આખો વિસ્તાર ભક્તિભાવમાં તણાઈ ગયો હતો લોકમેળામાં ભક્તિગીતો, ભજન અને ધામિર્ક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. ભીડને કારણે ઠેરઠેર ટ્રાફિક જામની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ સ્ટાફે સુંદર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી સફળ કામગીરી કરી હતી પ્રાચી તીર્થનું ઐતિહાસિક અને ધામિર્ક મહત્વ પ્રાચી તીર્થને પાંડવકાળીન તીર્થ માનવામાં આવે છે. અહીં પ્રાચીન સરસ્વતી નદીનો પ્રવાહ અને છ-છ શિવમંદિરો અને પ્રસિદ્ધ મોક્ષ પીપળો હોવાથી આ તીર્થને અનન્યે મહત્વ પ્રાપ્ત છે.
સ્કંદપુરાણ સહિતના અનેક ગ્રંથોમાં પ્રાચી તીર્થના મહાત્મ્યનો ઉલ્લેખ થયો છે. માન્યતા મુજબ અહીં દેવ પિતૃકાર્ય અમાસના દિવસે સ્નાન, તર્પણ અને દાન કરવાથી પિતૃદોષનો નાશ થાય છે અને અખૂટ પુણ્ય મળે છે. આથી અહીં દર વર્ષે અંતિમ અમાસે સો વાર કાશી, એક વાર પ્રાચી કહેવત પ્રમાણે હજારો યાત્રાળુઓ ભેગા થાય છે આજે ભારે માત્રામાં યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.


