સોમવતી અમાસ નિમિતે દામોદરકુંડ ખાતે ભાવિકો ઉમટી પડયા

પુરૂષોતમ માસની આજે પુર્ણાહુતિ: પિતૃઓનાં મોક્ષાર્થે ધામિર્ક કાર્યક્રમો યોજાયા

સોમવતી અમાસ નિમિતે દામોદરકુંડ ખાતે ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢ તા. 15
પવિત્ર પુરૂષોતમ માસની આજે પુર્ણાહુતી થયેલ છે અને ઉઠીયાત અમાસની તિથી નિમીત્તે આજે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ભાવિકો દ્વારા  પિતૃઓનાં મોક્ષાર્થે ભાવપુર્વક કાર્યક્રમો યોજાયા છે. જૂનાગઢનાં સુપ્રસિધ્ધ દામોદરકુંડ ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો હતો અને વિધીવિધાન સાથે જુદા જુદા ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા.
પવિત્ર પુરૂષોતમ માસની સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોરમાનાં પૂજન, સત્સંગના કાર્યક્રમો તેમજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજી આખા માસ દરમ્યાન ભાવભેર પુરૂષોતમ માસ ઉજવવામાં આવ્યો છે. પવિત્ર પુરૂષોતમ માસની આજે પુર્ણાહુતી થયેલ છે. અધિક જેઠ વદ અમાસ અને આજે સોમવારે  સવારના 8.24 કલાક સુધી અમાસ તિથી છે. ઉદીયાત તિથીનાં નિયમ પ્રમાણે આજના દિવસે પુરૂષોતમ માસનાં વ્રત, ઉપવાસ રહેતા  ભાવિકોએ આજે ઉપવાસ રહેવાના રહેશે. અને આવતીકાલે મંગળવારે પારણા કરવાના રહેશે. દરમ્યાન ઉદીયાત અમાસનાં આજના દિવસે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ભાવિકો દ્વારા યોજવામાં આવી રહયા છે. ઉદીયાત અમાસ તિથી નિમિત્તે આજે ભાવિકો દ્વારા પિતૃઓને પીપળે પાણી રેડવું, પીપળાની પ્રદક્ષિણા કરી, પિતૃઓને મોક્ષગતિ આપવા માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત વસ્ત્રદાન, અન્નદાન, કુંભદાન, ગાયોને ઘાસચારો નાખવો સહીતનાં કાર્યો કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ આવેલા પીપળાનાં વૃક્ષને પાણી રેડવા સહીતની વિધી માટે ભાવિકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત પિતૃતર્પણ વિધી માટેનાં શ્રેષ્ઠ સ્થળ એવા દામોદરકુંડ ખાતે ભાવિકો આજે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તેમજ વિવિધ ધાર્મિક કાર્યોમાં સહભાગી બની પિતૃઓનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.