50 થી વધુ ખેડૂતોને ખરીફ ઋતુના મિશ્ર પાકના નિદર્શન અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અપાઈ

કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, ગુજ. ને. ફા. સા. યુ., અમરેલી દ્વારા સુડાવડ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

50 થી વધુ ખેડૂતોને ખરીફ ઋતુના મિશ્ર પાકના નિદર્શન અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અપાઈ

જૂનાગઢ તા. 17
ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવસિર્ટી, હાલોલના માનનીય કુલપતિ પ્રો. ડૉ. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવસિર્ટી, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર સુડાવડ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય ડૉ. એસ. પી. દેશમુખના માર્ગદર્શન હેઠળ તા. 15/06/2026ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં વરસાદ આધારિત ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટેની વિવિધ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મિશ્ર પાક પદ્ધતિ અંગે નિદર્શન આધારિત તાલીમ આપવામાં આવી હતી.
તાલીમમાં કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મસાલીયા અને કુ. આર.એચ. વઘાસિયા તેમજ ખેતી અધિકારી બી. એમ. મોદી અને કુ. યુ.એન. ડોડીયાએ 50થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપસા અને આચ્છાદન અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મિશ્ર પાક પદ્ધતિ દ્વારા એક જ ખેતરમાં વિવિધ પાકોનું વૈજ્ઞાનિક આયોજન કરી જમીનની ફળદ્રુપતા જાળવવા, જીવાત-રોગના ઉપદ્રવને ઘટાડવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા પ્રાકૃતિક ખેતી સંબંધિત પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. ખેડૂતો દ્વારા તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રાકૃતિક ખેતી અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેમજ ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રસાર અને ખેડૂતોને ટકાઉ કૃષિ પદ્ધતિઓ તરફ પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.