ગંભીર ડિસેમિનેટેડ ટીબી સામે લડાઈમાં 16 વર્ષીય બાળકીની સફળ સારવાર

ગંભીર ડિસેમિનેટેડ ટીબી સામે લડાઈમાં 16 વર્ષીય બાળકીની સફળ સારવાર

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.17
જૂનાગઢની 16 વર્ષીય બાળકી છેલ્લા 20 દિવસથી સતત તાવ, ઉધરસ, કમરનો દુ:ખાવો અને માથાના દુ:ખાવાથી પીડાઈ રહી હતી. તપાસ દરમિયાન તેને પલ્મોનરી ટીબી(ફેફસાનો ટીબી), જે મગજ અને આંખ સુધી ફેલાયેલો હતો(Disseminated TB) હોવાનું નિદાન થયું. દર્દીની શરૂઆતમાં રાજકોટ ખાતે સારવાર કરવામાં આવી હતી, પરંતુ તબિયતમાં અપેક્ષિત સુધારો ન થતા દર્દીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ(GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જૂનાગઢ) ખાતે લાવવામાં આવી. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને એન્ટી ટ્યુબરક્યુલર થેરાપી(ATT), મેનિટોલ ઈન્જેક્શન, સ્ટેરોઇડ્સ તથા જરૂરી સહાયક સારવાર જેવી કે ઈન્જેક્શન આલ્બ્યુમિન, પ્રોટીન સપ્લિમેન્ટ અને અન્ય જરૂરી દવાઓ શરૂ કરવામાં આવી. આ સારવાર GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જૂનાગઢ ખાતે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પલ્મોનોલોજિસ્ટ ડો. શ્રેયા કોરડિયા(MD) દ્વારા કરવામાં આવી. સારવાર દરમિયાન ર્નસિંગ ઇન્ચાર્જ મમિર્કભાઈ તથા TB વોર્ડની સમગ્ર ટીમનો સતત સહકાર અને મહત્વપૂર્ણ ફાળો રહ્યો. આરોગ્ય સેવાના ભાગરૂપે દર્દીને જરૂરી તપાસ અને સારવારની સુવિધાઓ ખાનગી હોસ્પિટલોમાં થતી મોંઘી સારવારની સરખામણીએ સંપૂર્ણપણે નિ:શુલ્ક રીતે સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો અને દર્દીને આગળની સારવાર ચાલુ રાખવાની સલાહ સાથે રજા આપવામાં આવી. ટીબી એક ગંભીર પરંતુ સંપૂર્ણપણે સારવારયોગ્ય રોગ છે. લાંબા સમય સુધી રહેતો તાવ, ઉધરસ, વજનમાં ઘટાડો અથવા સતત થાક જેવા લક્ષણોને અવગણવા નહીં અને સમયસર તબીબી સલાહ લેવી જરૂરી છે.