અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો : ઘટના સ્થળેથી પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું-અરેરાટી

અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો : ઘટના સ્થળેથી પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું-અરેરાટી

અમરેલી તા.16
ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલી સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો.
સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા.
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી કંપનીના કર્મચારી અમરુભાઈ વાઘે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે.
જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી. વનવિભાગ આ બાબતે તાત્કાલિક એક્શન લે અને લોકોની સુરક્ષા માટે વનકર્મીઓ તહેનાત કરે તે જરૂરી છે.
વિસ્તારમાં વન્યજીવોની અવરજવર અંગે પૂછતાં તેમણે ઉમેર્યું કે, અહીં સિંહોની અવરજવર સતત ચાલુ જ રહે છે. દિવસે કે રાતે ગમે ત્યારે સિંહો જોવા મળે છે. અત્યારની જ વાત કરીએ તો, કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહ બેઠા છે.
આ કાળજું કંપાવી દેનારી ઘટના અંગે કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવક પરપ્રાંતીય હતો અને અહીં સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સાંજના સમયે જ્યારે તે બેઠો હતો, ત્યારે ત્રણથી ચાર વન્ય પ્રાણી ત્યાં આવ્યા અને તેને ઢસડીને દૂર લઈ ગયા હતા. આ હિંસક જનાવરોએ યુવકને આખો ફાડી ખાધો છે. અગાઉ નજીકના ભાકોદર ગામમાં પણ આવી જ દુર્ઘટના ઘટી ચૂકી છે.
સરપંચે વન મંત્રીને સીધી અપીલ કરતાં જણાવ્યું કે, મારી સરકાર અને વન મંત્રીને રજૂઆત છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક લેવલે લોકલ ટ્રેકર્સની વધુમાં વધુ ભરતી કરવામાં આવે.
આ સાથે જ, મૃતક યુવકના પરિવારને તેમજ અગાઉ બનેલી ઘટનાના ભોગ બનનાર પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક આર્થિક સહાય મળવી જ જોઈએ. જો આગામી સમયમાં વનવિભાગ દ્વારા ટ્રેકર્સની ભરતી અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો અમે ગામ સ્તરે લોકોને એકઠા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થઈશું તેમ જણાવ્યું હતું.

મૃતક : પ્રકાશ ચંદ્ર