રૂા. 39 કરોડના આંતરરાજય સાયબર ફ્રોડમાં મુખ્ય સુત્રધાર સહીત બેની ધરપકડ : 18 સામે ગુનો દાખલ
જૂનાગઢ, વડોદરા, જામનગર, ભાવનગર તેમજ મહારાષ્ટ્રના રત્નાગીરી સુધી ફેલાયેલા નેટવર્કના બાકી રહેલા આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ
જૂનાગઢ તા. 13
રૂા. 39 કરોડનાં સાયબર ફ્રોડનાં ચકચારી કૌભાંડનો પર્દાફાશ કરી અને મુખ્ય સુત્રધાર સહીત બે આરોપીની એસઓજી પોલીસે ધરપકડ કરી છે અને આ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડ અંતર્ગત વધુ 18 જેટલા શખ્સો સામે ગુનો દાખલ કરી અને તેમને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. આ બનાવ અંગેની પોલીસે આપેલી વિગત અનુસાર ગુજરાત સરકારના ‘ઓપરેશન મ્યુલ હન્ટ-2’ અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આંતરરાજ્ય કક્ષાએ ચાલતા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના આ નેટવર્કમાં દેશભરના અનેક રાજ્યોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નિશાન બનાવી ઠગાઈ આચરવામાં આવતી હતી. આ ચકચારી કૌભાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કુલ 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર નેટવર્કના તાર જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર તેમજ મહારાષ્ટ્રના રત્નાગિરી સુધી પહોંચતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સમગ્ર સાયબર કૌભાંડનો મુખ્ય આરોપી કેવિન દેકીવાડીયા અગાઉ પણ આવા જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હતો અને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ હતો. પોલીસે આ મામલાની ગંભીરતાને જોઈને ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી અને તેના અંતે મુખ્ય આરોપી કેવિન દેકીવાડીયાનો જેલમાંથી કાયદેસર રીતે કબજો મેળવી તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની આ કડક પૂછપરછ અને ઊંડાણપૂર્વકની તપાસના અંતે કૌભાંડનો વ્યાપ ઘણો મોટો હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગે ગરીબ લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને તેની પાસબુક, ચેકબુક તેમજ એટીએમ કાર્ડ પોતાના કબજામાં રાખી દેશભરમાંથી ફ્રોડના નાણાં તે ખાતાઓમાં મંગાવ્યા હતા. તપાસના અંતે આ તમામ કડીઓ જોડાતા 18 થી વધુ લોકો વિરુદ્ધ 39 કરોડથી વધુની છેતરપિંડી કર્યાનો ગુનો દાખલ થયો છે. આ પૂછપરછ દરમ્યાન અન્ય એક આરોપીની ભૂમિકા પણ સામે આવતા પોલીસે સમીર વૈષ્નાણીની પણ ધરપકડ કરી છે, જેણે સમગ્ર નેટવર્કને જોડવામાં મહત્વની કડી તરીકે કામ કર્યું હતું.
દરમ્યાન આ સમગ્ર ઓપરેશન અંગે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ‘ઓપરેશન મ્યુલ હન્ટ-2‘ અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા જૂનાગઢ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં મ્યુલ બેંક એકાઉન્ટ્સ, એટલે કે જે એકાઉન્ટ્સનો ઉપયોગ ગેરકાયદેસર નાણાંકીય હેરફેર માટે થતો હોય, તેને ઓપરેટ કરવામાં આવતા હતા. ઉપરાંત મુખ્ય આરોપી કેવિન રમેશભાઈ ડેકીવાડિયાની જયુડિશિયલ કસ્ટડીમાંથી ધરપકડ કરી પોલીસ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. આરોપી કેવિન ડેકીવાડિયા વિરૂદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો દાખલ થયેલો હોવાથી તે જેલમાં જ હતો, જેની પૂછપરછ અને તપાસ દરમિયાન અન્ય એક સહ-આરોપી સમીર વૈષ્નાણી નામ પણ સામે આવ્યું હતું, જેણે આ કૌભાંડમાં અન્ય લોકોનો સંપર્ક કરાવ્યો હતો. બી-ડિવિઝન પોલીસે હાલમાં આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અને છેતરપિંડીના આંકડા અંગે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી કેવિન ડેકીવાડિયા અને તેના સાથીદારોએ સાથે મળીને એક ગુનાહિત કાવતરૂ રચ્યું હતું. તેઓએ એફ.આઈ.આર.માં દર્શાવેલા અન્ય 17 જેટલા બેંક એકાઉન્ટ ધારકોના ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને સીમ કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો તથા સાધનો મેળવી લીધા હતા. આ તમામ બેંક એકાઉન્ટ્સનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉપયોગ કરીને, તેઓ ભારતભરના અલગ-અલગ રાજ્યોના સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં મેળવી છેતરપિંડી આચરતા હતા. વધુમાં પોલીસ દ્વારા આ સમગ્ર કૌભાંડ અંગેની ઝીણવટભરી તપાસમાં બહાર આવેલી વિગત અનુસાર આરોપીઓએ આ 18 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં કુલ મળીને 66 જેટલી વ્યક્તિઓ સાથે નાણાંકીય છેતરપિંડી આચરી છે, જેની કુલ રકમ 39.53 કરોડ જેટલી થાય છે. આ કૌભાંડ અંગે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ઠગાઈ તેમજ આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાયબર ફ્રોડના આ નેટવર્કની પદ્ધતિ એવી હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ફ્રોડનો ભોગ બનતી, ત્યારે તેના નાણાં આ મ્યુલ એકાઉન્ટ્સમાં આવતા હતા. આ નાણાં ખૂબ જ મોટા પાયે આવતા હોવાથી આરોપીઓ તપાસ એજન્સીઓથી બચવા અને પૈસાનો ટ્રેક મુશ્કેલ બનાવવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં તેને વહેંચી દેતા હતા. ત્યારબાદ જે-તે એકાઉન્ટ ધારકો અથવા આરોપીઓ તેમાંથી રોકડા રૂપિયા ઉપાડી લેતા હતા અથવા તો તે નાણાંને યુએસડીટી એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી નાખતા હતા.
દરમ્યાન પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ દરમ્યાન પોલીસને સાયબર ફ્રોડના આ આંતરરાજ્ય નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓના નામો પણ મળ્યા છે, જે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.


