શિશલીની રૂા.21.65 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો 100 ટકા મુદ્દામાલ સાથે ફરિયાદીને પરત અપાયો

‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસે રૂા.60.61 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ લાખીબેન ઓડેદરાને સોંપ્યો

શિશલીની રૂા.21.65 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો 100 ટકા મુદ્દામાલ સાથે ફરિયાદીને પરત અપાયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.13
પોરબંદર જિલ્લાના બરડા વિસ્તારના શિશલી ગામે ખેડૂત પરિવારના રહેણાંક મકાનમાં થયેલી રૂા.21.65 લાખની ઘરફોડ ચોરીનો ભેદ બગવદર પોલીસે ઉકેલી કાઢ્યો છે. ચોરીમાં ગયેલો 100 ટકા મુદ્દામાલ રિકવર કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત સોંપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શિશલી ગામના ટીંબા સીમ વિસ્તારમાં રહેતા લાખીબેન ભુપતભાઈ ઓડેદરાના મકાનમાં ગત તા.13 નવેમ્બર 2025ના રોજ અજાણ્યા તસ્કરોએ ઘરફોડ ચોરી કરી હતી. લાખીબેન અને તેમના પતિ ખેતીકામ માટે ખેતરે ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટના લોકર ખોલી 46.25 તોલા સોનાના દાગીના તથા રૂા.1.50લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં લાખીબેને બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના સીધા માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી. બગવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુના મુજબની આ ઘરફોડ ચોરીનો ભેદ ગત તા. 24 માર્ચ 2026ના રોજ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને કોર્ટ હવાલે કરવામાં આવ્યો હતો તેમજ ચોરીમાં ગયેલો સમગ્ર મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. નામદાર કોર્ટના હુકમ અનુસાર તા. 12 જૂન 2026ના રોજ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં ફરિયાદી લાખીબેન ભુપતભાઈ ઓડેદરાને ચોરીમાં ગયેલા સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂા.60,61,142 કિંમતનો મુદ્દામાલ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓનાં હસ્તે પરત સોંપવામાં આવ્યો હતો. પરત સોંપવામાં આવેલા મુદ્દામાલમાં ચાંદલી હાર, કાનસર-લટકણિયા, જેન્ટ્સ ચેન, સ્ત્રી-પુરૂષની વીંટીઓ, સોનાનું બિસ્કિટ, રજવાડી હાર, મંગળસૂત્ર, ગળાનો હાર, પેન્ડલ સેટ તેમજ રૂા.1.50 લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લા પોલીસે ચોરીમાં ગયેલો 100 ટકા મુદ્દામાલ રિકવર કરી ફરિયાદીને પરત આપતા પોલીસની કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.