લગ્નવાંચ્છુ યુવાનોને ફસાવી નાણાં ખંખેરવાનાં આંતરરાજય કૌભાંડનો પર્દાફાશ

લુંટેરી દુલ્હનો અને દલાલો દ્વારા યુવાનોની વ્યાપક છેતરપીંડી : ડીજીપીને રજુઆત

લગ્નવાંચ્છુ યુવાનોને ફસાવી નાણાં ખંખેરવાનાં આંતરરાજય કૌભાંડનો પર્દાફાશ

જૂનાગઢ તા. 15 
જૂનાગઢ સહીત ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં અપરણીત તેમજ છુટાછેડા લીધેલા અને પોતાના માટે યોગ્ય જીવન સાથીની શોધ કરી રહેલા નિર્દોષ યુવાનોને નિશાન બનાવી અને નાણાં ખંખેરવાનું મોટુ કૌભાંડ બહાર આવેલ છે. લુંટેરી દુલ્હન અને લેભાગુ દલાલોની સંગઠીત ટોળકીની માયાજાળમાં અનેક યુવાનો ફસાયા છે અને અનેક આશા અરમાન સાથે વિવાહ માટેના પ્રયાસમાં એક કાવતરાનો ભોગ બની અને દુલ્હન તો ગુમાવે છે સાથે જ નાણાંકીય રીતે પણ તેને ખંખેરી નાખવાના ષડયંત્રનો પણ ભોગ બને છે. આવા કિસ્સામાં જયારે પણ ભોગ બનનાર પોલીસમાં ફરીયાદ નોંધાવવા જાય છે ત્યારે તેમની ફરીયાદ લેવામાં યેનકેન પ્રકારે વિલંબ થઈ રહયો છે ત્યારે આવા બનાવો બનતા અટકે અને લુંટેરી દુલ્હન અને દલાલોની મીલી ભગત સામે કડક કાર્યવાહી કરી તેના નેટવર્કન રફેદફે કરી અને જવાબદારો સામે કડક પગલાની માંગણી સાથે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતી ઓબીસી સેલના મહામંત્રી વી.ટી. સીડાએ ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી અને પિડીતોને ન્યાય અપાવવાની માંગણી કરવામાં આવી છે. દરેક જીલ્લામાં આવી લેભાગુ ટોળકી સક્રિય છે અને જેનો યુવાનો ભોગ બની રહયા છે. દરમ્યાન માળિયા હાટીના તાલુકાના પિખોર ગામે રહેતા અને વ્યવસાયે ખેતી કરતા પીડિત યુવાન પ્રદીપભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે તેઓ પોતાના લગ્ન માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેમનો સંપર્ક માંગરોળના રહેવાસી સુનિલભાઈ ડાકી સાથે થયો હતો. સુનિલ ડાકી તેમને છોકરી બતાવવાના બહાને સુરત ખાતે લઈ ગયો હતો જ્યાં પ્રદીપભાઈને જાગૃતિ મિસ્ત્રી નામની છોકરી બતાવવામાં આવી હતી. તે સમયે ત્યાં સાધુ મનુભાઈ કનુભાઈ અને તેની બહેન તરીકે ઓળખાવતી જાગૃતિબેન પરમાર પણ હાજર હતા. છોકરી પસંદ આવી જતાં લગ્નનું નક્કી કરીને તેઓ પરત પીખોર આવ્યા હતા ત્યારે દલાલ સુનિલભાઈએ ટોકન પેટે પૈસાની માંગણી કરી હતી જેથી પ્રદીપભાઈએ ઓનલાઈન માધ્યમથી સુનિલના ખાતામાં 30,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બીજા દિવસે તેઓ ફરીથી સુરત ગયા હતા જ્યાં હાજર મનુભાઈ સાધુએ પૈસાની માંગણી કરતા પ્રદીપભાઈએ અન્ય 1,50,000 રૂપિયા રોકડા આપ્યા હતા જેની નાણાં આપતી વખતની વીડિયો ક્લિપ પણ તેમની પાસે સુરક્ષિત છે. આ બનાવ અંગે પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે લગ્ન બાદ તેઓ સુરતથી છોકરીને લઈને પોતાના ઘરે આવ્યા પરંતુ જાગૃતિ મિસ્ત્રીએ માત્ર ૫-૬ દિવસમાં જ અલગ-અલગ બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું અને તેની મમ્મીને ફેક્ચર થયું હોવાનું કહી સુરત જવાની જીદ પકડી હતી. આ દરમ્યાન જાગૃતિની બહેન સ્વાતિબેન પરમારે ફોન પર ખૂબ જ અભદ્ર અને મનફાવે તેવું વર્તન કરીને તેમની દીકરીને તાત્કાલિક સુરત પાછી મૂકી જવાની ધમકી આપી હતી. પ્રદીપભાઈ જ્યારે છોકરીને મૂકવા સુરત તેના ઘરે પહોંચ્યા ત્યારે માલુમ પડ્યું કે તેની માતાને કોઈ પણ પ્રકારની ઇજા કે તકલીફ નહોતી. પ્રદીપભાઈ પરત પોતાના ગામે આવ્યા બાદ કન્યા જાગૃતિ, કનુભાઈ સાધુ અને સુનિલ મિસ્ત્રીને અવારનવાર ફોન કરીને પૂછતા હતા કે જાગૃતિ ક્યારે પરત આવશે ત્યારે તેઓ 5-10 દિવસના વાયદા કરતા હતા અને આખરે 20 દિવસ પછી જાગૃતિ પાછી આવી હતી. પરત આવ્યા બાદ જાગૃતિ માત્ર એક જ દિવસ સારી રીતે રહી હતી અને બીજા જ દિવસથી પ્રદીપભાઈ તેમજ તેમના વૃદ્ધ માતા-પિતા સાથે અત્યંત ખરાબ અને અસભ્ય વર્તન કરીને ગેરવર્તન કરવા લાગી હતી. ત્યારબાદ અમે જૂનાગઢ મારી બેનની ઘરે આવ્યા ત્યારે જાગૃતિએ સીસીટીવી કેમેરાની સામે જ પોતાની જાતે પોતાના કપડાં ફાડી નાખ્યા હતા અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગાડીને ફોન કરીને ખોટી જાણ કરી હતી જેના આધારે અભયમની ટીમે આવીને તેનું નિવેદન નોંધ્યું હતું. ત્યાંથી તેઓ ફરી પીખોર ગામે પરત ફર્યા તો જાગૃતિએ ફરીથી કકળાટ કરીને માળિયા પોલીસને બોલાવી લીધી હતી જ્યાં ફરીથી માળિયા પોલીસ દ્વારા તેનું નિવેદન લેવાયું હતું. સતત થતી હેરાનગતિથી કંટાળીને પ્રદીપભાઈ કન્યાને લઈને સુરત પહોંચ્યા હતા અને પોતાના આપેલા પૈસા પાછા માંગ્યા ત્યારે ટોળકીના સભ્યો તેમની સાથે ભારે માથાકૂટ અને ઝઘડો કરવા લાગ્યા હતા. પ્રદીપભાઈએ જણાવ્યું કે તેમની સાથે કુલ 1,80,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે અને 10,000 રૂપિયા વકીલને આપ્યા છે, તેથી તેમની માંગણી છે કે તેમના પૈસા પાછા મળે અને આ નકલી લગ્નનો કરાર કાયદેસર રીતે છૂટો કરવામાં આવે. 
આ ઉપરાંત વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભોગ બનનાર જૂનાગઢના સ્થાનિક રહેવાસી મનીષભાઈ સોલંકીએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે તેઓ કુરિયર કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતાના લગ્ન સંબંધ અર્થે એક પરિચિત વ્યક્તિ મારફતે મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે છોકરી જોવા માટે ગયા હતા. ત્યાં લગ્નની વિધિ પતાવીને તેઓ 20 તારીખે માલેગાંવથી જૂનાગઢ આવવા માટે રવાના થયા હતા. 21 તારીખે જ્યારે તેઓ અમદાવાદ શહેરની સીમામાં આવ્યા ત્યારે રસ્તામાં કન્યાએ કોગળા કરવાના બહાને પાણીની બોટલ માંગી હતી અને મનીષભાઈ પાણી લેવા ગયા તે જ તકનો લાભ ઉઠાવીને છોકરી ત્યાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ લઈને પલાયન થઈ ગઈ હતી. આ ઘટના બાદ તેઓ તાત્કાલિક પરત માલેગાંવ પહોંચ્યા હતા અને ત્યાં લગ્ન કરાવનાર બે મુખ્ય દલાલો અબ્દુલ રહેમાન અને મોહમ્મદ અર્શદ સાથે વાતચીત કરી હતી. આ બંને દલાલોએ શરૂઆતમાં આજકાલમાં રૂપિયા પાછા આપી દેવાની ખાતરી આપીને વાયદાઓ શરૂ કર્યા હતા, પરંતુ અંતે રૂપિયા પાછા આપ્યા નહોતા. જેથી મનીષભાઈએ માલેગાંવના રમજાનપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી, પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક સહકાર ન મળતા તેઓ જૂનાગઢ પરત ફર્યા હતા અને હાલ આ સમગ્ર ઠગાઈ મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા માટે લેખિત અરજી દાખલ કરી છે. આ ગંભીર સામાજિક દૂષણ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી સેલના મહામંત્રી વી. ટી. સીડાએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે તેમની પાસે છેલ્લા ૩ વર્ષથી લગ્નના નામે છેતરાયા હોય તેવા હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અસંખ્ય નવયુવાનો ન્યાયની આશા સાથે આવી રહ્યા છે. સામાજિક કારણોસર કે ઉંમર વધી જવાને કારણે જે યુવાનોના લગ્ન થતા નથી હોતા તેઓ માલેગાંવ, સુરત, નવસારી અને કામરેજ જેવા વિસ્તારોમાં છોકરી જોવા માટે આવા દલાલોનો સંપર્ક કરે છે અને દલાલો નાણાં પડાવવાની લાલચમાં ખોટા લગ્ન કરાવીને મોટું કૌભાંડ આચરે છે. માળિયા હાટીના તાલુકાના પિખોર ગામના પ્રદીપભાઈ ભાલિયાનો કિસ્સો આવ્યો જેમની પાસેથી 2,00,000 રૂપિયા પડાવી લેવાયા છે, તે જ રીતે જૂનાગઢ તાલુકાના વાડાસીમડી ગામના ધવલભાઈ સતાસિયા પાસેથી પણ લગ્નના નામે દલાલોએ 2,50,000 રૂપિયા પડાવી લીધા છે અને જૂનાગઢના મનીષભાઈ સોલંકી પાસેથી પણ માલેગાંવમાં 2,00,000 રૂપિયા પડાવીને યુવતી ભાગી ગઈ છે.
દરમ્યાન વી. ટી. સીડાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તાજેતરમાં જ તેમણે રાજ્યના ડીજીપી અને મુખ્યમંત્રીને કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે કારણ કે જ્યારે પીડિતો પોલીસ પાસે જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધતી નથી. તેમણે ડીજીપીને વિનંતી કરી છે કે દરેક પોલીસ સ્ટેશનને કડક સૂચના આપવામાં આવે કે આવી કોઈ પણ ફરિયાદ આવે તો વિના વિલંબે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે અને ભલે ગુનો અન્ય શહેરમાં બન્યો હોય પરંતુ માણસ જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી જ ગુનાની શરૂઆત ગણીને સ્થાનિક પોલીસે ગુનો નોંધીને પીડિતોને ન્યાય અપાવવાની માંગણી કરી છે.